Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જુઓ તેની એક ઝલક…

ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શાનથી ઉજવાશે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 ના એક મહિના દરમ્યાન આ ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. જેમાં સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે.

એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે. 

70 હજાર સ્વંયસેવકો દિવસરાત કામ કરે છે 

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની અપાર શક્તિને જગાવી છે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે.

કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો, ભક્તો-ભાવિકો તેમજ સંતો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ્જૂ સમાન છે, જેઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિરાટ યજ્ઞ કરીને સેવા-સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા 1 વર્ષ કે 6 મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.