અંબાલાલની આગાહી : 27 એપ્રિલથી 3 મે વચ્ચે ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, રાજ્યના આ વિસ્તારોને ધમરોળશે

હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ ખેડૂતોની માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. 

આ વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
અંબાલાલ પટેલે પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી  છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં  27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે.  આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશેઃ અંબાલાલ

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ગાજવીજ વધારે વરસાદ થશે. કરા પડવાની પણ શક્યતા છે.  2થી 8 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે. 25 મેથી 10 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે. ઓમાન તરફ ફંટાશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે.
26 અને 27 એપ્રિલે ખાબકી શકે છે કમોસમી વરસાદ

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 26  અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફુંકાતા રાજ્યમાં હીટવેવની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે 24 અને 25 એપ્રિલે હીટવેવ રહી શકે છે. જોકે, 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
હવામાન વિભાગે આપી આ સલાહ

હિટવેવની સ્થિતિમાં 1થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ તેવી સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ના થાય. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર રાખવો જોઈએ.

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close