આજે સવારે અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.
ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.મહીસાગરના લુણાવાડામાં વાતાવરણ પલટલતા અહીં પણ ગાજવીજ હળવો વરસાદ પડ્યો.
વરસાદના કારણે વાવેતર કરેલા ઘઉં, મકાઈ, બાજરી,ઘાસચારાના પાકને નુકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત છે. હવામાન આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. પાલનપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંબાજીના દાંતામાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું જેના પગલે ઘઉં, રાયડા, મકાઈ, એરંડા, ચણા, જીરા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
એક બાજુ ગરમીની શરૂઆત થઇ ગઇ છે તો બીજ તરફ હજુ વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થાય છે. આ બધાની વચ્ચે વરસાદ પડતા એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકરે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. વધુ વરસાદ પડશે તો ઘઉં, ચણા, કપાસ, બટાકા, તડબુચના પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ચિંતાનું મોજું!
ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.
તો બીજી તરફ કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર જણાઈ રહ્યા છે.