છેલ્લા એકાદ મહિનાથી જીરા બજારમાં લેવાલીની સરખામણીએ વેચવાલી વધારે હોય એવી સ્થિતિ જોવા મળી છે. અત્યાર સુધી વાયદા બજારના સપોર્ટના કારણે હાજર બજારમાં એક સ્તરે ભાવ જળવાઇ રહેતા હતા.
જોકે, છેલ્લા બે સપ્તાહથી વાયદા બજારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આથી હાજર બજારમાં પણ જીરાના ભાવ સતત ઘટી રહ્યા છે. હાલ ઉંઝા યાર્ડમાં સરેરાશ રૂ.7000થી રૂ.7500ની સપાટીની વચ્ચે જીરામાં વેપાર થઇ રહ્યો છે.
આ સપ્તાહ દરમિયાન ઉંઝા માર્કેટયાર્ડમાં દૈનિક સરેરાશ 15 હજાર બોરી સુધીની વેચવાલી જોવા મળી છે. જેમાં દૈનિક 5 હજાર બોરીની નવી આવક તેમજ 10 હજાર બોરી આસપાસ યાર્ડમાં રહેલ સ્ટોકની વેચવાલી થઇ રહી હોય એમ વેપારીઓ જણાવી રહ્યા છે.મહત્વની બાબત એ છે કે, ભાવમાં મોટો ઘટાડો આવ્યો હોવા છતાં વેચવાલીના પ્રમાણમાં લેવાલી ઓછી જોવા મળી રહી છે.